રોજીરોટી માટે વતનથી દૂર રહેતા લોકોને દેશના કોઇ પણ સ્થળે આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન પરથી એકદમ સહેલાઇથી મળી રહ્યું છે રાશન
વન નેશન, વન રેશનકાર્ડ’ યોજનાથી સમય અને પૈસામાં બચત સાથે, જીવન સરળ થયું: વડોદરાના લાભાર્થીઓ
વડોદરામાં ૧ વર્ષમાં અન્ય રાજ્યના ૫૮૫૨ લાભાર્થી; જિલ્લાના ૨૫,૭૬૭ લાભાર્થી તથા આંતરજિલ્લાના ૧૦,૧૫૫ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો
સરકારી યોજનાનું જમીની સ્તરે જેટલું અમલીકરણ થાય, પ્રજાનું જીવન એટલું જ સરળ અને સુવિધાયુક્ત થાય..અને આ વાત શત પ્રતિશત સત્ય સાબિત થઇ રહી છે ‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજનાના અમલીકરણમાં. આ યોજનાના અમલ બાદ કોઇ પણ રાજ્યમાં કામ કરવા ગયેલા/આવેલા રાશનકાર્ડ ધારકને તેમની નજીકની કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન મળવા લાગતા ઘણી સરળતાનો અનુભવ થઈ રહ્યો છે.
યોજનાના સરળીકરણ અંતર્ગત NFSA હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો દેશની, રાજ્ય કે જિલ્લાની કોઇપણ વ્યાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે “વન નેશન,વન રેશનકાર્ડ” યોજનાનો ભારત સરકાર દ્વારા વર્ષ-2020થી અમલ કરાઈ રહ્યો છે. જેમાં ગુજરાતની પાયલોટ પ્રોજેકટ તરીકે પંસદગી કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વકાંક્ષારૂપી આ યોજનાથી એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થતાં પ્રવાસી શ્રમિકો અને કામદારોને સૌથી વધારે ફાયદો થઇ રહ્યો છે. કારણ કે, યોજનાની અમલવારી પહેલા એવો નિયમ હતો કે, જે જિલ્લામાં રાશનકાર્ડ બનેલું હોય ત્યાંથી જ રાશન મળી શકતું હતું. જિલ્લો બદલવા પર શ્રમિકોને રાશન ન્હોતું મળતું. પરંતુ હવે તેઓ ક્યાંક પણ રોજગાર અર્થે જાય તેમના ભાગનું રાશન તેમને સમયસર અને સરળતાથી મળી જાય છે.


0 Comments