વડોદરા, તા.૦૧ જૂન, ૨૦૨૨ બુધવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ સુદ ૨) પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનાં હેતુથી આજે શહેરનાં પંડિત દિનદયાલ હૉલ ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, વડોદરા દ્વારા એક દિવસીય "પ્રાકૃતિક કૃષિ વર્કશોપ" આયોજાયો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાનાં ખેડુતો, સરપંચ, ગ્રામસેવકો તેમજ પંચાયતોનાં સચિવને પ્રાકૃતિક ખેતીનાં લાભ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમમાં સાવલીનાં કશ્યપભાઈ રાયે પ્રાકૃતિક ખેતી અંગેના પોતાનાં અનુભવ તેમજ તે કેમ જરુરી છે તે જણાવ્યું હતું. તે સાથે વધુમાં જણાવ્યું હતું કે ખેડુતે સમૃધ્ધિ તેમજ આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જરુરી છે.
આ સાથે નિલકંઠ ધામ, પોઇચાનાં કૈવલ્ય સ્વરુપ સ્વામીજીએ પ્રાચીનકાળમાં પણ ભારતદેશ પ્રાકૃતિક ખેતીમાં વિશ્વભરમાં મોખરે હતો. તે સાથે પ્રાકૃતિક ખેતી સસ્તી, સીધી, સાદી તેમજ સરળ ખેતી છે તેમ જણાવ્યું.
ત્યારબાદ શિનોરના વનરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી માટે બધી જ પ્રકારની મદદ માટે સરકારશ્રી તૈયાર છે તેમ જણાવ્યું હતુ. તે સાથે દેશમાં કુલ ૧૦,૦૦૦ જેટલી તેમજ વડોદરામાં કુલ ૩ ખેત ઉત્પાદકીય સંસ્થાઓ(FPO) કાર્યરત છે તે અંગે ઉમેરતા કહ્યુ હતું કે આ ખેત ઉત્પાદકીય સંસ્થાઓ(FPO) થકી ખેડુતોને બજાર પુરું પાડવામાં આવે છે જ્યાં ખેડુત પોતે પોતાની ખેત પેદાશોનો ભાવ નક્કી કરી શકશે. તદઉપરાંત જીવામૃત, ઘનજીવામૃત તેમજ બીજામૃત જેવી ખેત પદ્ધતિઓની પ્રાયોગિક માહિતી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરુપે પ્રત્યેક ગામદીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરી હતી. તથા ખેડુતો પોતાની કુલ ખેતીનો અમુક ભાગ અજમાયશી ધોરણે પ્રાકૃતિક ખેતી માટે ફાળવે તેમ જણાવ્યું હતું.
કલેકટરશ્રી અતુલ ગોરે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે ખેડુતો પ્રાકૃતિક ખેતી વિશે વિશેષ જાણકારી મેળવે તેમજ પ્રાયોગિક તાલીમ મેળવે તે માટે આગામી દિવસોમાં વડોદરા જિલ્લાના તાલુકા સ્તરે વર્કશોપ આયોજન થશે.
આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, સંયુકત ખેતી નિયામકશ્રી, આત્મા સ્ટેટ નોડલ ઓફિસર, પ્રોજેક્ટ ડિરેક્ટર (આત્મા), ડેપ્યુ. પ્રોજેક્ટ ડિરેક્ટર (આત્મા), જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા કૃષિ તજજ્ઞોએ પ્રેરક હાજરી આપી હતી.




0 Comments