વડોદરા, તા.૦૧ જૂન, ૨૦૨૨ બુધવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ સુદ ૨) વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે ગઈકાલે શહેરના પોલીસ ભવન સ્થિત શી ટીમની કચેરીની મુલાકાત લીધી હતી.શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે તેમને ઉષ્માસભર આવકાર આપીને શી ટીમની રચનાનો હેતુ અને બહુ આયામી કામગીરીની વિગતવાર જાણકારી આપી હતી.તેઓ, women power in uniform ની પ્રતીતિ કરાવતી શી ટીમની મહિલા સુરક્ષા,વડીલ જનોની સેવા,યુવા પેઢીને વ્યસનમુક્ત રાખવાની જહેમત સહિતની અન્ય સમાજલક્ષી અને માનવીય સંવેદનાસભર કામગીરી થી ભારે પ્રભાવિત થયાં હતાં.આ મુલાકાત થી શી ટીમ પણ ખૂબ પ્રોત્સાહિત થઈ હતી.
વિદેશમંત્રીશ્રી એસ. જયશંકરની વડોદરા શહેર શી ટીમ કાઉન્સિલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત સમયે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘે તેમને શી ટીમના વિવિધ પ્રોજેક્ટ્સ તથા શી ટીમે કરેલી સફળ અને પરિણામદાયક કામગીરી થીમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
શી ટીમની બહુ આયામી કામગીરીનો વિડિયો પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો. વિદેશ મંત્રીશ્રી એ શી ટીમના બાઈક રાઈડર્સ તથા શી ટીમ ઈ- બાઈક ચાલકો સાથે વાર્તાલાપ કરીને અને તેમને બિરદાવીને તેમનો જુસ્સો વધાર્યો હતો.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ વિદેશ મંત્રી સાથે મુલાકાતમાં જોડાયા હતા અને શી ટીમની કામગીરીને વખાણી હતી. વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, વડોદરા શહેર મ્યુ. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ, કલેકટરશ્રી એ. બી. ગોર અને મહાનુભાવોએ પણ શી ટીમની કામગીરી જાણી હતી.





0 Comments