જિલ્લાના ૨૨,૮૩૧ ભૂલકાઓનું વિદ્યામંદિરોમાં થશે નામાંકન
*******************
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામરૂપે વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસ ૦.૯૭ ટકા
વડોદરા, તા.૨૨ જૂન, ૨૦૨૨ બુધવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૯) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં આગામી આવતીકાલ તા. ૨૩થી ત્રણ દિવસ માટે શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭મી શ્રૃખંલા અંતર્ગત વડોદરા જિલ્લામાં ધોરણ - ૧ માં કુલ ૨૨,૮૩૧ બાળકોને વિદ્યામંદિરોમાં પા..પા.. પગલી કરાવવામાં આવશે. તેની સાથે ધોરણ-૯માં પણ ૧૮,૪૭૬ છાત્રોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારમાં કુલ ૨,૨૫,૪૪૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાંથી કુલ ૪૬,૭૬૭ બાળકો ખાનગી શાળાઓ અને બાકીના છાત્રો સરકારી, અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવશે.
વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારની કુલ ૧૪૩૪ શાળાઓ શિક્ષણકાર્ય કરી રહી છે. તે પૈકી ૧૮૩ શાળાઓ જ ખાનગી છે. બાકીની શાળાઓ અનુદાનિત અથવા તો જિલ્લા પંચાયત સિવાયની અન્ય સરકારી વિભાગો દ્વારા સંચાલિત છે.
વડોદરા જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧૨માં કુલ ૬૧૦૬ અને ધોરણ ૧૦માં કુલ ૧૬૦૮૪ છાત્રો પ્રવેશ લેવાના છે. કોરોના મહાકારીના કારણે છેલ્લા બે વર્ષથી નહીં યોજાતું રાજ્ય સરકારનું આ ફ્લેગશીપ અભિયાન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દેન છે. જેના કારણે ખાસ કરીને બાળકોનું શાળામાં સ્થાયીકરણ વધ્યું અને રાજ્યમાં અધ વચ્ચેથી શાળા છોડી (ડ્રોપ આઉટ) જવાનું પ્રમાણ નહીવત્ત થઇ ગયું છે.
વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસમાં ચાલી રહ્યો છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં કુમારમાં -૧.૫૯ ટકા અને કન્યામાં -૦.૨૮ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. આ બાબત બતાવે છે કે, બાળકનું એક વખત શાળામાં નામાંકન થાય એ બાદ તેમનું સો ટકા સ્થાયીકરણ થઇ જાય છે. જિલ્લાનો કુલ ડ્રોપ આઉટ રેશિયો -૦.૯૭ ટકા છે. જ્યારે એક ધોરણમાંથી બીજા ધોરણમાં ટ્રાન્ઝીટ થવાનું પ્રમાણ ૧૦૧ ટકા જેટલું છે. એટલું જ પ્રમાણ રિટેન્શન રેશિયામાં પણ છે.
રાજ્ય અને જિલ્લા કક્ષાના મહાનુભાવો ત્રણ દિવસ માટે સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરશે અને ૧૨૮ જેટલા રૂટ ઉપર શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ કરાવશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, શિક્ષણ સમિતિના ચેરમેન સહિત,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, કલેકટર શ્રી એ.બી.ગોર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ,વરિષ્ઠ સનદી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવશે.
0 Comments