વડોદરા, તા.૨૦ જૂન, ૨૦૨૨ સોમવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૬) વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'માનવતા માટે યોગ' (Yoga for Humanity) ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની નિશ્રામાં જ્યારે શહેરના છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલ સવારે ૬.૦૦ કલાકે ઉજવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી સવારે ૬.૩૦ કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે.
દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે.જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે.
વડોદરા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે કલેકટરશ્રી અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
કલેકટરશ્રી અતુલ ગોરે જણાવ્યું કે,વડોદરા શહેર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું અસરકારક આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કમાટીબાગ,પોલો ગ્રાઉન્ડ અને એમ. એસ. યુનિવર્સિટીમાં અદાણી ગૃપ દ્વારા યોગાભ્યાસ યોજાશે.વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથકો,નગરપાલિકાઓ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજયના ૩૩ જિલ્લાઓના જે ૭૫ સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં ૧૮ જેટલાં ઐતહાસિક સ્થળો, ૧૭ જેટલાં ધાર્મિક સ્થળો, ૨૨ જેટલાં પ્રવાસન સ્થળો, ૧૭ જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.
આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે વડોદરા શહેર જિલ્લાના નાગરિકો 'યોગમય ' બની અભિયાનમાં સહભાગી થશે.વડોદરા શહેર જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમોમાં સાંસદ, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.
વડોદરા જિલ્લામાં દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, સાથો સાથ શાળાઓ, કોલેજો,તમામ આઈ. ટી.આઈ યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે તેમ શ્રી ગોરે જણાવ્યું હતું.
વડોદરા શહેર જિલ્લાના મહત્તમ નાગરિકોને યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થવા કલેકટર શ્રી અતુલ ગોરે અનુરોધ કર્યો છે.
0 Comments