BARODA HALCHAL NEWS

*વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૨૨૮૩૧ ભૂલકાઓનું વિદ્યામંદિરોમાં થશે નામાંકન* *

 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામરૂપે વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસ ૦.૯૭ ટકા*

 



મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં આગામી તા. ૨૩થી ત્રણ દિવસ માટે શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭મી શ્રૃખંલા અંતર્ગત વડોદરા જિલ્લામાં ધોરણ – ૧માં કુલ ૨૨૮૩૧ બાળકોને વિદ્યામંદિરોમાં પા..પા.. પગલી કરાવવામાં આવશે. તેની સાથે ધોરણ-૯માં પણ ૧૮૪૭૬ છાત્રોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે.

 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે આજે કલેક્ટર શ્રી અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક હતી. જેમાં એવી વિગતો રજૂ થઇ હતી કે, વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારમાં કુલ ૨૨૫૪૪૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાંથી કુલ ૪૬૭૬૭ બાળકો ખાનગી શાળાઓ અને બાકીના છાત્રો સરકારી, અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવશે.


વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારની કુલ ૧૪૩૪ શાળાઓ શિક્ષણકાર્ય કરી રહી છે. તે પૈકી ૧૮૩ શાળાઓ જ ખાનગી છે. બાકીની શાળાઓ અનુદાનિત અથવા તો જિલ્લા પંચાયત સિવાયની અન્ય સરકારી વિભાગો દ્વારા સંચાલિત છે.

 

જિલ્લા આ વર્ષે ધોરણ ૧૨માં કુલ ૬૧૦૬ અને ધોરણ ૧૦માં કુલ ૧૬૦૮૪ છાત્રો પ્રવેશ લેવાના છે. કોરોના મહાકારીના કારણે છેલ્લા બે વર્ષથી નહીં યોજાતું રાજ્ય સરકારનું આ ફ્લેગશીપ અભિયાન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દેન છે. જેના કારણે ખાસ કરીને બાળકોનું શાળામાં સ્થાયીકરણ વધ્યું અને રાજ્યમાં અધ વચ્ચેથી શાળા છોડી (ડ્રોપ આઉટ) જવાનું પ્રમાણ નહીવત્ત થઇ ગયું છે.

 

વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસમાં ચાલી રહ્યો છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં કુમારમાં -૧.૫૯ ટકા અને કન્યામાં -૦.૨૮ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. આ બાબત બતાવે છે કે, બાળકનું એક વખત શાળામાં નામાંકન થાય એ બાદ તેમનું સો ટકા સ્થાયીકરણ થઇ જાય છે. જિલ્લાનો કુલ ડ્રોપ આઉટ રેશિયો -૦.૯૭ ટકા છે. જ્યારે એક ધોરણમાંથી બીજા ધોરણમાં ટ્રાન્ઝીટ થવાનું પ્રમાણ ૧૦૧ ટકા જેટલું છે. એટલું જ પ્રમાણ રિટેન્શન રેશિયામાં પણ છે.

 

રાજ્ય અને જિલ્લા કક્ષાના મહાનુભાવો ઉક્ત ત્રણ દિવસ માટે સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરશે અને ૧૨૮ જેટલા રૂટ ઉપર શાળાઓમાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવશે.

 

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી અર્ચના ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments