BARODA HALCHAL NEWS

વડોદરા આવેલી પહેલ વહેલી ચેસ ઓલિમ્પિયાડ ની જ્યોતનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત:મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની સાથે હર્ષનાદો થી ખેલાડીઓ એ ટોર્ચ રિલેને વધાવી

 ચેસની બુદ્ધિગમ્ય રમત એ વિશ્વને ભારતની ભેટ છે ૩૦ વર્ષના અંતરાલ પછી દેશમાં ચેસ ઓલિમ્પિયાડ નું આયોજન ગૌરવની વાત...રાજેન્દ્ર ત્રિવેદી...





વડોદરાતા.૩૦ જૂન૨૦૨૨ ગુરુવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ સુદ ૧)          ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ ની  રાષ્ટ્રવ્યાપી ચેતના જગાવવા કેવડિયા થી વડોદરા આવેલી ટોર્ચ રિલે - જ્યોતને શહેરના વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની સાથે રમતવીરો એ ગગનભેદી હર્ષનાદો થી વધાવી લીધી હતી.

        ચેસ એ વિચક્ષણતા,બુદ્ધિમાની અને સમય સૂચક સતર્કતાની રમત છે અને તેના ઓલિમ્પિયાડ ની ટોર્ચ રિલેનું શહેરમાં આગમન પહેલી જ વાર થયું છે.

        ચેસના ગ્રાન્ડ માસ્ટર - એટલે કે શીર્ષસ્થ ખેલાડી તેજસ બાકરે અને અંકિત રાજપરાએ એક સાથે ૨૧ ખેલાડીઓ સાથે ચેસની બાજી રમીને આ સ્વાગતને યાદગાર બનાવ્યું હતું. અહીં થી આ ટોર્ચ રિલે સુરત જશે.

        ચેસની ઉદભવ ભૂમિ ભારત છે તેવી જાણકારી આપતાં મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે,આજે તે બુદ્ધિમત્તા ની વૈશ્વિક રમત બની છે.

        પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને લીધે ૩૦ વર્ષના અંતરાલ બાદ ચેસ ઓલિમ્પિયાડ દેશમાં યોજાઈ રહી છે અને ઐતિહાસિક મહાબલીપુરમમાં તે રમાશે તેના ઉલ્લેખ સાથે તેમણે બાળકો અને કિશોરોને મોબાઈલ ના દૂષણ થી દુર રહીને ચેસ રમવાની આદત દ્વારા બુદ્ધિ અને સતર્કતા ને કેળવવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે વાલીઓ ને પણ પોતાના સંતાનોના આ રમતની અભિરુચિ કેળવીને ચેસ રમતા કરવા અને બુદ્ધિ શક્તિ ખીલવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રધામંત્રીશ્રીને આ બુદ્ધિની રમતને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેમણે વૈશ્વિક નેતા તરીકે તેમના કાર્યોની વિગતવાર જાણકારી આપી હતી અને જ્યોતની સાથે ગ્રાન્ડ માસ્ટર શહેરના મહેમાન બન્યા એનો આનંદ વ્યક્ત કર્યો હતો.

        ૧૯ મી જુનથી શરૂ થયેલી આ ટોર્ચ રિલે દેશના વિવિધ રાજ્યોમાં ફરશે. કલેકટર શ્રી અતુલ ગોર,ગુજરાત રાજ્ય ચેસ મંડળના અધ્યક્ષશ્રી ભાવેશ પટેલ,વડોદરા જિલ્લા ચેસ મંડળના અધ્યક્ષશ્રી એમ.જી.ભટ્ટ જ્યોત અને મહેમાન ગ્રાન્ડ માસ્ટરને આવકારવામાં જોડાયાં હતાં.

        જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જયેશ ભાલાવાલા અને યુવા વિકાસ અધિકારી શ્રી કેતુલ મહેરીયા અને તેમની ટીમે સ્વાગત કાર્યક્રમનું સુચારુ આયોજન કર્યું હતું.

Post a Comment

0 Comments