BARODA HALCHAL NEWS

એપીલેપ્સી સારવાર કેમ્પનો ૬૦ જેટલા દર્દીઓ એ લીધો લાભ..

 વડોદરાતા.૨૫ જૂન૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૧૩)                  સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં કાલીકટની તબીબી સેવા સંસ્થા aster - mims અને મીશન બેટર ટુમોરો ના સહયોગ તેમજ નેશનલ હેલ્થ મિશન,ગુજરાતના અનુમોદન થી યોજવામાં આવેલા એપીલેપ્સી - વાઈ/ ખેંચ/ મિર્ગિ સારવાર કેમ્પને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને આયોજક સંસ્થાની તબીબી ટીમે સારી કામગીરી થઇ શકી એવો સંતોષ વ્યક્ત કર્યો છે.ઉપરોક્ત સંસ્થા આ હઠીલા રોગની સારવાર અને સર્જરીના ક્ષેત્રમાં કાર્યરત છે અને પહેલીવાર કેરળની બહાર ગુજરાતના રાજકોટ અને વડોદરામાં કેમ્પ યોજીને રોગીઓને વિનામૂલ્યે સઘન રોગ નિદાન અને પરામર્શ સેવાઓ નો લાભ આપ્યો હતો.






        બે દિવસમાં ૬૦ જેટલા દર્દીઓ એ શિબિરનો લાભ લીધો એવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરે જણાવ્યું કે કેટલાક મોટી ઉંમરના કિશોર દર્દીઓ એ પણ શિબિરનો લાભ લીધો હતો.

        આ એક જટિલ રોગ છે જે લાંબાગાળાની સારવાર માંગી લે છે.કેમ્પમાં મોટેભાગે હાલમાં જેમની દવાઓ ચાલી રહી છે તેવા દર્દીઓ આવ્યા હતા જેમની મુશ્કેલીઓ જાણીને માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી.યોગ્ય કિસ્સાઓમાં વૈકલ્પિક દવાઓ સૂચવવામાં આવી.આ રોગની સારવારમાં એક થી વધુ દવા લેવાની હોવાથી દર્દી દવાના સેવનમાં ભૂલ કરે તે શક્ય છે.જેને અનુલક્ષીને દવા લેવામાં જરૂરી કાળજી નું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ દર્દીઓનો ફોલો અપ સંપર્ક રખાશે અને ઉપરોક્ત સંસ્થા ટેલી મેડીસીન વ્યવસ્થા હેઠળ જરૂરી માર્ગદર્શન આપશે.

        વધુ અસર ધરાવતા કેટલાંક દર્દીઓનું હાલમાં ન્યૂરો ઇમેજીંગ આધારિત મોડીફિકેશન કરવામાં આવ્યું છે જેની પણ અસર નહિ જણાય તો ઉપરોક્ત સંસ્થાની મદદથી સર્જરીના વિકલ્પનો વિચાર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

        સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે ઉપરોક્ત સંસ્થાઓની નિસ્વાર્થ તબીબી સેવાઓને બિરદાવી છે.

        વડોદરા કેરલા સમાજમ,ગુજરાત દ્વારા aster - mims,Calicut ની ટીમના અને સયાજી હોસ્પિટલના સેવા દાતા તબીબો નું સન્માન કરવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments