ચોરપૂરાની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સાંજે શાળા છૂટયા પછી વાળુ કરીને જ ઘેર જાય છે: ટ્રસ્ટના સહયોગથી કરેલી વ્યવસ્થા હેઠળ સાંજનું ભોજન શાળામાં જ અપાય છે.
ગામલોકોના સહયોગ થી છેલ્લા દશ વર્ષથી શાળામાં શાકવાડી ઉછેરીને ઉત્પન્ન થતું શાક ભોજનમાં ઉમેરવામાં આવે છે..
*********************
વર્ષમાં એકવાર શાળામાં વાલીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે...
આલેખન – સુરેશ મિશ્રા
વડોદરા, તા.૨૭ જૂન, ૨૦૨૨ સોમવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૧૫) મહા વિચક્ષણ રાજગુરુ ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા.વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાનકડા ચોરપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી આરીફખાન પઠાણે એમના સાથી શિક્ષકોના સહયોગથી વિદ્યોતેજક અનેક નવા પ્રયોગો અમલમાં મૂકીને શિક્ષકની અસાધારણતા નો દાખલો બેસાડ્યો છે. એમણે ગામ લોકોને બાળકોને શિક્ષણ આપવું જ જોઈએ એવો વિશ્વાસ દ્રઢ કર્યો છે અને ગામલોકો સાથે એવો ઘરોબો બાંધ્યો છે કે શાળાને જરૂર પડે તો પોતાના સો કામ પડતાં મૂકીને વાલીઓ શાળાના કામને અગ્રતા આપે છે..
Ø વાલીઓને બાળકોના ભોજનની ચિંતામાં થી મુક્ત કર્યા છે.. .
રાજ્યની તમામ સરકારી શાળાઓની માફક આ શાળામાં પણ વિદ્યાર્થીઓ ને મધ્યાહન ભોજન યોજના હેઠળ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવે છે.
જો કે તેમણે સેવાભાવી સમન્વય ટ્રસ્ટના સહયોગ થી બાળકોને સાંજનું ભોજન પણ શાળામાં પીરસવાનો પ્રબંધ કર્યો છે.
રાજ્યની કદાચ આ એકમાત્ર પ્રાથમિક શાળા હશે કે જેના વિદ્યાર્થીઓ સાંજે શાળા છૂટયા પછી ભોજન કરીને ઘેર જાય છે.
પેટની ભૂખ ઠરે તો ભણતરની ભૂખ જાગે એ કટુ સત્યને ટાંકતા આરીફભાઇ કહે છે અમારી શાળામાં બપોરને બદલે સવારના ૧૧ વાગે શાળા શરૂ થતાની સાથે જ મભયો હેઠળ ભરપેટ ભોજન કરાવી દેવામાં આવે છે.એટલે છોકરાં નિરાંતે ભણતરમાં મન લગાવીને ભણે છે. મભયો હેઠળ જ બપોર પછી નાસ્તો આપવામાં આવે છે.
અને સાંજે શાળા છૂટયા પછી સમન્વય ટ્રસ્ટના સેવા સહયોગ થી એમને સાંજનું વાળું પીરસવામાં આવે છે. મારી શાળામાં કદાચ નબળી આર્થિક પરિસ્થિતિને લીધે બાળક સવારે ભલે અર્ધ ભૂખ્યું આવે,સાંજે પેટ ભરીને જ ઘેર જાય છે એવું એમનું કહેવું છે.
આ ગામના મોટાભાગના પરિવારો શ્રમજીવી છે. પહેલાં વાલીઓને અને ખાસ કરીને માતાઓને તેમના બાળકો માટે ભોજન બનાવવા સાંજે મજૂરી છોડીને ઘેર આવવું પડતું.આ વ્યવસ્થાથી હવે તેઓ નિરાંતે પોતાની મજૂરી પૂરી કરી શકે છે.
Ø દશેક વર્ષથી શાળામાં શાકનો બગીચો ઉછેરવામાં આવે છે......
આ શાળાના પ્રાંગણમાં એક નાનકડા ખેતર જેટલી જગ્યા ઉપલબ્ધ છે.છેલ્લા દશેક વર્ષથી ગામલોકોની મદદ થી કિચન ગાર્ડન એટલે કે શાળા શાકવાડી ઉછેરવામાં આવે છે.બિયારણનો પ્રબંધ આરીફભાઇ કરે છે જ્યારે ટ્રેકટર વડે જમીન ખેડી આપવાનું કામ ગામલોકો કરે છે.શાળાને અડીને ગામના વોટર વર્કસનો સંપ આવેલો છે.એક પાઇપ લાઈન ખેંચીને એના ઓવરફ્લો થતાં પાણીથી આ વાડી સિંચાય છે.
વાડીમાં થી મળતાં લીલા શાકભાજી મભયોના ભોજનમાં ઉમેરવામાં આવે છે જેને લીધે તેની પૌષ્ટિકતા વધે છે જે કુપોષણ નિવારવામાં પણ મદદરૂપ છે.ચોમાસાં ની શરૂઆત થી લઈને ઉનાળાની શરૂઆત સુધી તાજા શાકભાજી મળે છે અને એટલું શાકભાજી પાકે છે કે વધારાનું શાક ગામલોકોને મળે છે.
Ø વર્ષમાં એકવાર યોજાય છે વાલીઓ નો સાંસ્કૃતિક કાર્યક્રમ...
રાષ્ટ્રીય પર્વો અને અન્ય મહોત્સવની ઉજવણી માટે વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો તો બધી શાળાઓમાં યોજાય છે જેમાં વાલીઓ પ્રેક્ષક બને છે.
પણ આ પ્રાથમિક શાળામાં વર્ષમાં એકવાર વાલીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં વાલીઓ ગરબા,ગીતો,લોકનૃત્યો પ્રસ્તુત કરે છે અને એમના સંતાનો પ્રેક્ષક તરીકે આ કાર્યક્રમને માણે છે.તેના લીધે વાલીઓનું શાળા સાથેનું સગપણ વધુ મજબૂત બને છે.
Ø ૨૦૦૧ માં આ ગામમાં એસ.એસ.સી.સુધીનું શિક્ષણ પામ્યા હોય એવા માત્ર બે વિદ્યાર્થીઓ હતાં...
સન ૨૦૦૧ માં આરીફભાઇએ જ્યારે આ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી ત્યારે તેમને વસતી ગણતરીનું કામ પણ કરવું પડ્યું.એમાં જાણવા મળ્યું કે ગામમાં ફક્ત બે વિદ્યાર્થીઓ બચુભાઈ અને રાજુભાઈ દશમા ધોરણ સુધી પહોંચ્યા છે.તેમના નામ આજે પણ આરીફભાઈને યાદ છે.
આ પરિસ્થિત સુધારવા તેમણે વાલીઓને સંતાનોના શિક્ષણ અંગે જાગૃત કરવાનું ચાલુ કર્યું.સરકારના કાર્યક્રમો થી પણ જાગૃતિ વધી.પરિણામે આજે દશમું કે બારમું ધોરણ પાસ કે આઇ.ટી.આઇ.કરેલા વિદ્યાર્થીઓ તો લગભગ ઘેર ઘેર છે.એક વિદ્યાર્થીએ એમ.એ.બી.એડ,એક વિદ્યાર્થિનીએ બી.એ.બી.એડ અને અન્ય એક વિદ્યાર્થીએ ઇજનેરી શિક્ષણ મેળવ્યું છે. વાંકાનેરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગળનું શિક્ષણ મેળવવા જતાં આ ગામના વિદ્યાર્થીઓ સ્કૂલ ટોપરની યાદીમાં સ્થાન પામ્યા છે.
આ કર્મયોગી શિક્ષકે,પોતાની શાળાના સાથી શિક્ષકોનો સહયોગ લઈને અને ગામલોકોમાં શિક્ષણની જાગૃતિ સીંચીને પરિસ્થિતિને ધડમૂળ થી બદલવામાં યોગદાન આપ્યું છે.
Ø મહાદેવ મંદિર માટે કર્યું કળશનું દાન.....
આરીફભાઇ બધા ધર્મો પ્રત્યે આદરની ભાવના ધરાવે છે.એટલે ગામલોકો પ્રત્યેક ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં તેમની હાજરીનો આગ્રહ રાખે છે. અંબા માતાના મંદિરમાં પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ એમને જોડ્યા તો એમણે શિવાલય માટે કળશનું પણ દાન કર્યું.જ્યારે કોમવાદી ઘટનાઓ ઘટી ત્યારે ગામલોકો એમની સુરક્ષા માટે એમને વાંકાનેર તેડવા અને મૂકવા જતાં.તેઓ આ ગામમાં પોતાને ખૂબ સુરક્ષિત અનુભવે છે.તેઓ નવરાત્રિમાં ગરબે ઘૂમે છે અને ગામલોકોને અલ્પાહાર પણ કરાવે છે. ચોરપૂરા ગામ અને તેની શાળા તેમને જીવથી પણ અધિક વ્હાલી છે.
તેમના પ્રયત્નો થી સમન્વય ટ્રસ્ટ અને દાતાઓ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધનો, સ્ટેશનરી,વસ્ત્રો પૂરા પાડે છે.
કોરોના લોક ડાઉનમાં તેમણે સ્વખર્ચે અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ ની ૮૫ જેટલી કીટ ગામના જરૂરિયાતમંદો ને વહેંચી, જે પ્રત્યેક કીટ લગભગ રૂ.૧૨૦૦ ની સામગ્રી ધરાવતી હતી. તેમણે શાળા ભલે બંધ હતી પણ પ્રત્યેક વિદ્યાર્થીને પોતાના સુંદર અક્ષરે પત્ર લખીને એમને હૂંફ આપી.એમના લગ્નમાં અડધું ગામ ઉમટી પડ્યું હતું.
એમણે વિદ્યાર્થીઓ અને ગામલોકોની મદદ થી શાળા પરિસરમાં સાત જેટલા લીમડા અને એક કોઠી ઉછેરી છે. તેમણે લાગણીશીલ બનીને જણાવ્યું કે મારા જીવનની છેલ્લી ક્ષણોમાં મારી આંખોમાં મારી આ શાળા અને આ પ્રેમાળ ગામ લોકોની છબી તરવરતી હશે!!
સરકારી નિયમો પ્રમાણે શિક્ષકો સવારના દશ થી સાંજના ૫ વાગ્યા સુધી ભણાવે,અભ્યાસક્રમ અને સૂચવ્યા પ્રમાણેની ઈતર પ્રવૃત્તિઓ પૂરી કરે તો તેમની જવાબદારી પૂરી થઈ ગણાય.
પરંતુ શિક્ષકનો જીવ બહુધા સમય પત્રકમાં બંધાતો નથી. એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે એમનું જીવન ઘડવા શક્ય તેટલો પરિશ્રમ કરે છે.
નાનકડા ચોરપુરાની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય આરીફભાઇ,સહ આચાર્ય સપનાબેન અને સાથી કર્મયોગી શિક્ષકો,પદ્મશ્રી જેવો પુરસ્કાર મેળવવાની ખેવના રાખ્યા વગર વિદ્યાર્થીઓનું જીવન ઘડવાનો જે કર્મયોગ કરે છે એ ચાણક્યની ઉકિતને સાર્થક કરે છે
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments